પાલનપુરમાં વર્ષોથી વસતા વાવ થરાદ ભાભર સુઈગામના પ્રજાપતિ સમાજના વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર કેળવણી મંડળ દ્વારા સમાજના અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ પ્રોત્સાહિત થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી સમાજના બાળકોનો સરસ્વતી સન્માન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ, સ્નેહ મિલન સમારોહ, નવનિયુક્ત સરકારી કર્મચારી -નિવૃત કર્મચારી સન્માન, દાતાશ્રીઓનું સન્માન તથા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો ૧ થી કોલેજ સુધીના બાળકોને સ્ટડી ટેબલ, સ્કૂલ બેગ, ચોપડા, પ્રમાણપત્ર વગેરે થકી પ્રોત્સાહીત કરાવામાં આવ્યા હતા. પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા નવનિયુકત કર્મચારી, નિવૃત્ત કર્મચારી તથા વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા. પાલનપુર કેળવણી મંડળના ચાર શિક્ષકોને પરબતભાઈ પ્રજાપતિ જીલ્લા કક્ષા – ગોવિંદભાઈ પ્રજાપતિ તાલુકા કક્ષા – પરખાભાઇ પ્રજાપતિ અને પ્રવિણભાઈ પ્રજાપતિને સેન્ટર કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા તેમને સાંસદશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ મંડળના પ્રમુખ, મંત્રીઓ, સંતો, આગેવાનો તથા સમાજના અગ્રણીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.

કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ પ્રજાપતિ દ્વારા ૧૫ વર્ષથી ચાલતા મંડળના કાર્યો, પ્રવૃતિઓ તથા ભવિષ્યમાં યોજવામાં આવનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, સંતશ્રી જયેશગીરી બાપુ, ચાર પરગણા પ્રજાપતિ સમાજ પ્રમુખશ્રી સેધાભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી માનાભાઇ પ્રજાપતિ , પાલનપુર મંડળના પ્રમુખશ્રી સવજીભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખશ્રી શંકરભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી દશરથભાઈ પ્રજાપતિ,સંયોજકશ્રી પબાભાઈ પ્રજાપતિ તથા પ્રજાપતિ વેપારી સંગઠન- થરાદ, ભાભર પરગણા પ્રજાપતિ સમાજ, સુઈગામ પરગણા પ્રજાપતિ સમાજ, પાલનપુર ધાન્ધાર પ્રજાપતિ સમાજ તથા સુરત, કલોલ, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, ભાવનગરના પ્રજાપતિ સમાજના હોદ્દેદારો અને સમાજના તમામ અગ્રણીઓએ હાજરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરખાભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ મંત્રી દશરથભાઈ પ્રજાપતિએ કરી હતી. વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુરના તમામ સભ્યોને સરસ કાર્યક્રમ કરવા બદલ સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
